સૂર-સંવાદમાં સુરીલું સ્વાગત
સૂર-સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૂરસંવાદ એટલે ગુજરાતની ધરતીનો બુલંદ સાદ! સિડનીની એકમાત્ર ગુજરાતી સામુદાયિક રેડિયો સેવાનો પ્રારંભ ૧૯મી ઓગસ્ટ ૨૦૦૭થી થયો અને ૧૫ વર્ષ એટલે કે ૨૦૨૨ના ઓગસ્ટ સુધી એના પ્રસારણનું સાતત્ય રહ્યું. સિડનીમાં ખૂબ ઝડપથી વિસ્તરી રહેલા ગુજરાતી સમુદાયને તેમના અનુકૂળ સમયે, રવિવારે સાંઝે ૫ થી ૬ વાગ્યા સુધી સત્વશીલ મનોરંજન અને માહિતી આપવાનો રેડિયોનો હેતુ હતો. સૂર-સંવાદમાં તમે લોકહૃદયે સચવાયેલા ગુજરાતી ગીતોથી માંડી ગુજરાતની નવી પ્રતિભાઓનાં સૂરીલાં સર્જનો, નામાંકિત વિશ્વગુર્જરો સાથેના વાર્તાલાપો, સમાચાર, સ્થાનિક ગતિવિધિઓ વિષે માહિતી, બાળકો, યુવાનો, તેમ જ વડીલો માટેના વિશેષ કાર્યક્રમો સાંભળી શકો છો. સૂર-સંવાદ રેડિયો સ્થાનિક ગુજરાતીઓનો અવાજ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડતું એક માધ્યમ છે. તો આવો, ગુજરાતી સૂર-શબ્દની આ સફરમાં આપને સૂરીલું ઇજન છે…
રેડિયોની પ્રસારણ સેવાને હાલ વિરામ આપ્યો છે. પરંતુ છેલ્લાં ૧૫ વર્ષમાં થયેલી મુલાકાતો અને વાર્તાલાપોનો સંચય આ વેબસાઈટ દ્વારા શ્રોતાઓ સુધી પહોંચાડવાનો ઉપક્રમ જળવાયેલો રહેશે. આપે આ વેબસાઈટની મુલાકાત લીધી એ બદલ આપનો આભાર. અહીં નવા-જૂના વાર્તાલાપો સાથે મળતાં રહીશું.
નોંધ: સૂર-સંવાદ ગુજરાતી રેડિયો ઉપર પ્રસારિત થતી બધી મુલાકાતોમાં વ્યક્ત થતા વિચારો એ જે તે મુલાકાતીના અંગત વિચારો અને અભિપ્રાયો છે અને સૂર-સંવાદ રેડિયોના કોઈપણ પ્રસારણકર્મીનું કે રેડિયો-સેવાનું એને સમર્થન હોવાનું ગણવું નહીં.